અમારાથી શું થાય?
આજે એક ચર્ચામાં આ વિષય આવ્યો અને સવાલ કે અમારાથી શું થાય?..એટલે થયું કે આ સવાલ તો ઘણાને થઈ રહ્યો છે. તો ચાલો આજે આપણે એ વાત કરીએ.
સૌથી પહેલું તો જરુર વગર બહાર ન નીકળીએ એટલે બહુ જ મોટી મદદ થાય.
ખોટી અફવા ન ફેલાવતા લોકોને હિંમત આપીએ એટલે એ પણ એક મદદ થાય.
કદાચ પતિને કે પોતાને વર્ક ફ્રોમ હોમ આવે તો એનો ગેરફાયદો ઉઠાવવાને બદલે નીતિથી ઘરે જ રહીને કામ કરીએ તો ખૂબ જ મોટી મદદ થાય.( આ એ લોકો માટે છે જેમને કોવિડ ન ફેલાય એ માટે ઘરે રહીને કામ કરવાનું કહેવામાં આવે અને એ ફરી રહ્યા છે. )
બાળકોને ઓનલાઈન ભણવાનું આવે તો એમને મદદ કરીને અને થોડો સમય આપીને એમના બાળપણને જીવંત રાખી શકીએ.
અમને તો સમય જ નથી મળતો એવા લોકો પોતાના અધૂરા શોખ પૂરા કરી શકે.
વર્ષોથી જેમની સાથે વાત ન થઈ હોય એવા મિત્રોની સાથે વાત કરીને જૂના દિવસો યાદ કરી શકાય.
જે લોકો સક્ષમ છે એ આસપાસના ગરીબ લોકોને આ કપરા સમયમાં ભલે થાય એટલી પણ મદદ કરી શકે.(બને તો ફોટા પડાવ્યા વગર.)
જે લોકો મનથી ખૂબ જ મજબૂત છે એ ડરી રહેલા સમાજને સમજાવીને એમને હિંમત આપી શકે.
શકય હોય તો આસપાસના લોકોમાંથી વારાફરતી એક વ્યક્તિ બધી વસ્તુઓ લાવીને બહાર ભીડ ઓછી કરવામાં પણ મદદ કરી શકે.
જે લોકો આમાનુ કશું નથી કરી શકતા,,કારણ કે પૈસા નથી કે શરીરમાં તાકાત નથી કે બીજાને મદદ કરી શકે..એ લોકો પોતપોતાના ઈશ્ટદેવને પ્રાર્થના કરી શકે…પ્રાર્થનામાં અદ્ભુત બળ હોય છે.
આશા છે થોડાક અંશે સંતોષકારક જવાબ આપી શકી છું.
ભારતી…



